Webdunia: Portal - Search - Mail - Greetings   More >>
Support | Font Download | Feedback
Search  
Welcome, Guest  [ Register | Sign In ]

ૐ નમ: શિવાય’!

મહાપર્વ મહાશિવરાત્રિ


ૐ નમ: શિવાય’! પરમ તત્ત્વની ઉપાસનાનો આ મહામંત્ર. જેનાથી મોટો એવો કોઇ અન્ય મંત્ર નથી એમ પુષ્પદંત કહે છે. આપણા આસ્થાપૂર્ણ હૃદયમાં જે ગૂઢરૂપે સતત ગુંજયા કરતો હશે તે આ પંચાક્ષર મંત્ર હજારો કંઠોમાંથી બુલંદ રૂપે ગાજી ઉઠતો હશે.

આ મઘ્યરાત્રિએ શિવાલયોમાં દીપમાળાઓ ઝળહળતી હશે. આરતીઓની જયોતિનાં વર્તુળો શિવાલયોના ગર્ભખંડોને તેજોમય કરતાં હશે. ‘ૐ નમ: શિવાય’ના નાદ સાથે ઘંટારવો અને નગારાંના નાદો ભળતા હશે! ભકિતઘ્વનિ સમુદ્રનાં મોજાંની જેમ છળતો હશે!

તો વળી કયાંક કોઇ શાંત સાધક પદ્માસન બદ્ધ થઇ ‘ઘ્યાયે નિત્યં મહેશં રજતગિરિનિભં ચારુચંદ્રાવતંસમ્’ એમ ગંભીર સ્વરે સુચારુ સ્તવન કરતો ભગવાન મહેશના સ્વરૂપ કલ્પનનું બંધ આંખે દર્શન કરતો હશે! ઘ્યાનસ્થ ભકતને ત્યારે રજતગિરિ હિમાલયનાં નહીં ભગવાન ચંદ્રશેખરનાં, તેના પરથી સરતી સરિતાઓની ધારાઓને કારણે સાક્ષાત્ ભગવાન ગંગાધરનાં, કયાંક કયાંક સફેદ વાદળીઓ વરચેથી દેખાતા ગિરિખંડોને કારણે ભગવાન નીલકંઠનાં દર્શન થતાં હશે!

‘શિવ’ એ તો પરમતત્ત્વનો શબ્દરૂપ નિર્દેશ. સ્વરૂપ એ તત્ત્વને મૂર્તરૂપે સાક્ષાત્કાર કરવાની કલ્પના! એ સ્વરૂપની આરાધનાનું પર્વ ‘શિવાય નમ:’નો ઉત્સવ! કોણે નિિશ્ચત કર્યોહશે આ દિવસ? પુરાણ કથાઓ ગમે તે કહે, પણ એટલું તો નક્કી કે હજારો વર્ષોપૂર્વે આ ક્ષણ નિશ્ચિંત કરનારા આપણા પૂર્વજો ભારે વિચક્ષણ હોવા જૉઇએ! પ્રભુ સાથે તેમ પ્રકૃત્તિ સાથે પણ તે કેવા એકરૂપ હશે!

ભગવાન સૂર્ય તેમની દક્ષિણતમ સીમારેખાને સ્પર્શીને પાછા ઉત્તર ભણી વળવા લાગ્યા છે. તે જેમ જેમ ઉત્તરગતિ કરે છે તેમ તેમ શીતળતા ઉત્તર તરફ ધકેલાતી જાય છે અને સમશીતોષ્ણ વસંતની ચેતનવંતી હવાની પ્રસન્નતા પ્રસરે ત્યારે પૂર્વજો સૂચવે છે કે હવે આપણેય ઉત્તર તરફ દૃષ્ટિ કરીએ! ત્યાં દેખાશે ‘ઉત્તરસ્યાં દિશિ દેવતાત્મા’ સ્વરૂપે બિરાજમાન ભગવાન શિવ!

ગુજરાતી લોકોકિત તો છે જ ને કે ‘શિવરાત્રિ આવે ત્યારે ટાઢ શિવ શિવ કરતી કૂવામાં પડે! આવી લોકોકિતમાંય પ્રકૃતિ-સંસ્કૃતિ અને પદાર્થ ગુણનોય કેવો યોગ છે. પણ સાધકો તો નિરખતા હશે કૈલાસવાસી શિવને!

પરમતત્ત્વનું એ મૂર્તરૂપ દર્શન કેવું ભવ્ય હશે જેથી શિવનો પરમ ભકત-પરમમાહેશ્વર કહેવાતો લંકેશ રાવણ એટલો બધો મુગ્ધ થઇ ગયો હશે કે ઉમા-મહેશ્વર સહિત આખા કૈલાસને ઉપાડી જઇને લંકામાં સ્થાપવા તત્પર થઇ ગયો હશે! રાવણ તો પરમ ભકત-પોતાનાં તમામ મસ્તકો કમળપૂજારૂપે શિવના ચરણમાં મૂકવાય તૈયાર થાય. તેમ વીસ પ્રચંડ ભૂજાથી કૈલાસને બાથ ભરીનેય હચમચાવે! પણ જો રાવણ એ મહાશકિતશાળી રાવણ, તો શિવ દેવાધિદેવ!

કૈલાસ ચલિત થતો લાગતાં પાર્વતીને વિમાસણ થાય ત્યાં તો શિવ જરાય અસ્વસ્થ થયા વગર માત્ર પગનો અંગૂઠો જ સહેજ દબાવીને કૈલાસને સ્થિર કરી દે. કિન્તુ પરમમાહેશ્વર તરીકે રાવણનોય મહિમા ઓછો નથી અંકાયો! લંકા પર ચઢાઇ કરતી વખતે સેતુબંધનું (માનો ન માનો-ભારતની પ્રજાના હૃદય ધબકારમાં તો એ ‘સત્ય’ છે) મુહૂર્ત કરવા શ્રી રામે ભગવાન શિવની સ્થાપના કરી. ત્યાં વેદજ્ઞ બ્રાહ્મણ કોણ મળે? તો સાંસ્કૃતિક સ્મૃતિ કહે છે રાવણને જ પુરોહિત તરીકે આમંત્રણ આપ્યું! -અને રાવણે આવી કર્મકાંડ કરાવી પુરોહિત તરીકે આશીર્વાદ પણ આપ્યા!

માત્ર રામરાવણ યુદ્ધ કથામાં જ ડૂબ્યા રહીએ તો સાચા રામ પણ ન ઓળખાય અને સાચો-ત્રીજે અવતારે મોક્ષ મેળવેલા જાણીબૂઝીને રામને હાથે મૃત્યુ પામવા વિરોધી બનેલો રાવણ પણ!

રાવણના પરમમાહેશ્વર વ્યકિતત્વને જાણવું હોય તો તેણે રચેલું ઉત્તમ સંસ્કૃત સ્તોત્રોમાંનું અદ્ભુત એવું એક શિવતાંડવસ્તોત્ર :

‘જટાકટાહ સંભ્રમભ્રમન્નિલિમ્પનિર્ઝરી

વિલોલવીચિવલ્લરી વિરાજમાન મૂઘર્નિ!

માત્ર વાંચવાથી નહીં તેના પ્રચંડ છળતા-પછડાતા ગતિવાળા લયમાં ઉરચારતાં જ નજર આગળ પ્રચંડ નૃત્ય કરતા ભગવાન નટરાજ પ્રગટ થશે.

ભગવાન ‘શિવ’ એટલે શંકર-શાંત સદાશિવ પણ ખરા અને રુદ્ર પણ ખરા! આનન્દકારિણ સૌમ્ય સુંદર ભુવનેશ્વરા પણ ખરા અને રાવણ વર્ણવે છે તેમ ‘સ્મરાન્તક પુરાન્તક ભવાન્તક મખાન્તક, ગજાન્તકાન્ધકાન્તકં તમન્તકાન્તક’. પણ ખરા! આવાં અનેક રૂપે સાક્ષાત્કાર કરાવતા વિશ્વાધ વિશ્વવંધ તત્ત્વને કોણ પામી શકયું છે? મહાશિવરાત્રિ એ આવા પરમતત્ત્વની, જે અનુકૂળ તે સ્વરૂપે, જે વિધિ થઇ શકે તે વિધિપૂર્વક આરાધનાનું પર્વ છે.
અસ્વીકરણ